માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામનો બનાવ ; ત્રણ વર્ષની દીકરી પગે દાઝી જતા સાસુએ પરિણીતાને આપ્યો હતો ઠપકો મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ખેત મજૂરી કરવા આવેલ છોટા ઉદેપુર જિલ્લાના વતની પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકી દાઝી જતા સાસુએ વહુને ઠપકો આપતા વહુને મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે લલિતભાઈ ભગવાનજીભાઈ વિડજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના મંડલવા ગામના વતની નિકિતાબેન સોમાભાઇ નાયકા ઉ.24 નામના પરિણીતાએ ગત તા.19ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિકીતાબેનની ત્રણ વર્ષની પુત્રી પગે દાઝી જતા સાસુએ ઠપકો આપતા નિકિતાબેનને લાગી આવતા તેમને જંતુનાશક દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક નિકિતાબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને જૂના ઘાટીલા ગામે સંયુક્ત પરિવારમાં રહેતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.